અલ નીનોની અસરથી મોંઘવારી બેકાબૂ બનશે
અલ નીનોએ દેશમાં કઠોળ, ખાંડ, તેલિબિયા ને ચોખા જેવા આવશ્યક પાકોના ઉત્પાદનને ગંભીર અસર કરી છે. તેને અત્યાર સુધીનો સૌથી શક્તિશાળી અલ નીનો માનવામાં આવે છે. એવી આશંકા છે કે આનાથી ભારતને ખાદ્ય ચીજોની આયાત કરવાની ફરજ પડી શકે છે. વધુમાં, ભારતે આ નાણાકીય વર્ષમાં પશુ આહાર અને કૃષિ કાચા માલની આયાત વધારવી પડી શકે છે. સુત્રોના જણાવ્યા અનુસાર, દુષ્કાળને કાણે પાક ઉત્પાદનમાં ઘટાડો થયો છે, જેના કારણે પુરવઠા અંગે ચિંતા વધી છે. દરમ્યાન ઉદ્યોગ ખર્ચને નિયંત્રિત કરવા માટે આયાતમાં સરળતા લાવવાની માગ કરી રહ્યો છે. ખાંડ ઉદ્યોગને કાચી ખાંડની આયાતની સમયમર્યાદા લંબાવવાની મંજુરી મળી ગઇ છે. સોયાબીન ખોળ અને મકાઇની આયાત સાથે ખાદ્ય તેલની આયાત પણ વધારવાની જરૂર પડી શકે છે. ખરીફ સિઝન દરમ્યાન સોયાબીન અને મગફળીના ઉત્પાદનમાં ઘટાડો થવાની ધારણા છે. વધુમાં, શિયાળાના સરસવના પાક અંગે ચિંતા છે, જેના કાણે ખાદ્ય તેલની આયાતમાં વધારો થઇ શકે છે. મરઘા ઉદ્યોગ સોયાબીન ખોળ અને મકાઇની આયાત કરવાની પરવાનગી માગી રહ્યો છે. તેવી જ રીતે, કાપડ કંપનીઓ કપાસ પરની આયાત જકાત દુર કરવાની માગ કરી રહી છે. સ્ટાર્ચ ઉદ્યોગને ડર છે કે જો મકાઇનો મોટો હિસ્સો ઇથેનોલ ઉત્પાદન તરફ વાળવામાં આવે તો તેને ચીનથી સ્ટાર્ચ આયાત કરવી પડી શકે છે. આફ્રિકન દેશોમાંથી ભારતમાં સોયાબીનની આયાત રેકોર્ડ સ્તરે પહોંચી ગઇ છે. આનું કારણ એ છે કે ગત વર્ષે વધુ પડતા વરસાદને કારણે પાકને અસર થઇ હતી. આ નાણાકીય વર્ષમાં સોયાબીનની અછત ચાલુ રહેવાની ધારણા છે. કારણ કે મરાઠાવાડા, વિદર્ભ, તેલંગાણા અને મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં દુષ્કાળના કારણે પાક નિષ્ફળ ગયો છે. ભારત તેના કુલ ખાદ્ય તેલના વપરાશના આશરે 54થી 56 ટકા આયાત દ્વારા પુર્ણ કરે છે. ભારત તેની સ્થાનિક અછતને પહોંચી વળવા માટે વાર્ષિક આશરે 15થી 16 મિલિયન ટન વનસ્પતિ તેલની આયાત કરે છે. 2024-25માં કુલ આયાત 166.63 લાખ ટન હતી.
