એઆઈ ક્ષેત્રની અગ્રણી કંપની એન્થ્રોપિકે તેના બહુચર્ચિત આઇપીઓ માટે પ્રતિ શેર 83 ડોલર એટલે કે રૂ. 7,762ની કિંમત નક્કી કરી છે. આ ભાવ અગાઉના અંદાજ કરતા ઊંચો છે, જે રોકાણકારોમાં કંપની પ્રત્યેના મજબૂત વિશ્વાસને દર્શાવે છે. કંપની IPO મારફતે લગભગ 68.5 અબજ ડોલર એકત્ર કરવાની યોજના ધરાવે છે. આ સાથે એન્થ્રોપિકનું કુલ મૂલ્યાંકન 1.4 ટ્રિલિયન ડોલરથી વધુ પહોંચી શકે છે. વિશ્વભરના રોકાણકારો કંપનીના શેરબજારમાં પ્રવેશની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એન્થ્રોપિકે આઇપીઓ હેઠળ 825 મિલિયન શેરો ઓફર કર્યા છે. અગાઉ શેરનો ભાવ 70થી 78 ડોલર વચ્ચે રહેવાનો અંદાજ હતો, પરંતુ વધતી માંગને ધ્યાનમાં રાખીને તેને વધારીને 83 ડોલર કરવામાં આવ્યો છે. કંપનીનું લિસ્ટિંગ એવા સમયે થઈ રહ્યું છે જ્યારે ટેક્નોલોજી ક્ષેત્રની મોટી કંપનીઓ જાહેર બજારમાં પ્રવેશી રહી છે. આ વર્ષે ઇલોન મસ્કની સ્પેસએક્સે આઇપીઓ અને ત્યારબાદના શેર વેચાણ દ્વારા કુલ 85.7 અબજ ડોલર એકત્ર કરીને રેકોર્ડ બનાવ્યો હતો. હવે નજર એન્થ્રોપિક પર છે કે તે આ રેકોર્ડને પડકાર આપી શકે છે કે નહીં. તેમ છતાં રોકાણકારોમાં કેટલીક ચિંતાઓ પણ છે. એઆઈ ઉદ્યોગ સામે વધતો રાજકીય વિરોધ, વ્યાજદરોમાં વધારો અને ડેટા સેન્ટર ક્ષેત્રના વધતા ખર્ચ જેવા પરિબળો કંપનીના ભવિષ્યના પ્રદર્શનને અસર કરી શકે છે.
એઆઈ ક્લાઉડ કંપની એન્થ્રોપિકનો IPO સ્પેસએક્સનો રેકોર્ડ તોડશે? (બિઝનેસ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.