મુખ્ય  /  સમાચાર  /  જલસા કરો... કોના બાપની દીવાળી!

જલસા કરો... કોના બાપની દીવાળી!

ટોપ સ્ટોરીઝ17 Nov 2026 · 12:57 PM 15 વ્યૂઝ

ગુજરાતમાં સામાન્ય નાગરિક માટે મકાન ખરીદવું કે ભાડે રહેવું દિવસેને દિવસે મુશ્કેલ બનતું જાય છે, ત્યારે રાજ્યના ધારાસભ્યોને અતિઆધુનિક અને આલીશાન સુવિધાઓથી સજ્જ સરકારી એપાર્ટમેન્ટ્સ માત્ર રૂ. 37.50 માસિક ભાડે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. હાલમાં ગુજરાતના ધારાસભ્યોને અંદાજે રૂ. 1.18 લાખ માસિક પગાર અને ભથ્થાં મળે છે. બીજી તરફ, ગાંધીનગર સ્થિત ધારાસભ્ય ક્વાર્ટર્સમાં રહેવા માટે તેમના પાસેથી દર મહિને માત્ર રૂ. 37.50 જેટલું પ્રતીકાત્મક ભાડું વસૂલવામાં આવે છે. તાજેતરમાં ધારાસભ્યો માટે તૈયાર કરાયેલા નવા આવાસ સંકુલને લક્ઝરી સુવિધાઓથી સજ્જ બનાવવામાં આવ્યું છે. આશરે રૂ. 200 કરોડના ખર્ચે 216 એપાર્ટમેન્ટ બનાવાયા છે, એટલે કે એક ફ્લેટ પાછળ સરેરાશ રૂ. 90 લાખથી વધુ ખર્ચ થયો હોવાનું માનવામાં આવે છે. દરેક ફ્લેટ અંદાજે 204 ચોરસ વાર વિસ્તારમાં ફેલાયેલો છે. તેમાં ચાર રૂમ, જેમાં ત્રણ બેડરૂમ, રસોડું, ડાઇનિંગ એરિયા, વેઇટિંગ રૂમ, ડ્રેસિંગ રૂમ, ત્રણ એટેચ બાથરૂમ, બાલ્કની અને સર્વન્ટ રૂમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત ત્રણ રૂમમાં એર કન્ડિશનર, લિવિંગ રૂમ અને બેડરૂમમાં 43 ઇંચના LED ટીવી, ફ્રીજ, RO સિસ્ટમ અને ગીઝર જેવી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી છે. માત્ર ફ્લેટ જ નહીં, પરંતુ સમગ્ર સંકુલમાં ગાર્ડન એરિયા, જિમ્નેશિયમ, સ્વિમિંગ પૂલ, કોમ્યુનિટી હોલ, મલ્ટીપરપઝ હોલ, ડાઇનિંગ હોલ અને દવાખાનાની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સવાલ એ છે કે જ્યારે સામાન્ય નાગરિક ઘર, વીજળી, પાણી અને મોંઘવારીના વધતા બોજા સામે સંઘર્ષ કરી રહ્યો છે, ત્યારે જનપ્રતિનિધિઓ માટે આટલી વૈભવી સુવિધાઓ અને નજીવું ભાડું કેટલું વ્યાજબી ગણાય? આ મુદ્દે ચર્ચા ફરી એકવાર ગરમાઈ છે.

જલસા કરો... કોના બાપની દીવાળી! (ટોપ સ્ટોરીઝ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.

← સમાચાર પર પાછા