મીડલ ઇસ્ટના તણાવને લઇને જે રીતે ક્રુડ ઓઇલના ભાવમાં ઉછાળો આવી રહ્યો છે અને પાંચ મહિનાની ઉંચી સપાટીએ પહોંચી ગયું છે. અમેરિકા અને ઇરાન વચ્ચે સંભવિત હુમલાની આશંકા તેમજ ઇરાન સમર્થિત હુથી જુથ દ્વારા સાઉદી પર સતત વધતા હુમલાને કારણે આંતરરાષ્ટ્રીય ક્રુડ બજારોમાં ભાવમાં વધારો થયો છે. જેમાં બ્રેન્ટ ક્રુડ 114 ડોલર પ્રતિ બેરલ બોલાતો થઇ ગયો છે. જ્યારે ડબલ્યુટીઆઇ ક્રુડની કિંમત પણ 100 ડોલરને પાર કરી ગયો છે. આમ, છેલ્લા એક મહિનામાં બ્રેન્ટ ક્રુડના ભાવમાં 6.78 ટકાનો ઉછાળો નોંધાયો છે. ક્રુડ ઓઇલના વધી રહેલા ભાવથી સૌથી વધુ અસર ભારત પર પડી રહી છે. ભારતમાં આયાતી બિલમાં જોરદાર ઉછાળો આવી રહ્યો છે, આ દબાણની સામે ઓઇલ કંપનીઓને ભાવ વધારો એક જ વિકલ્પ રહ્યો છે. જોકે, આગામી સમયમાં દિવાળીનો તહેવાર હોવાથી આમ જનતા ઉપર ભાવ વધારો ઝીંકાય તેવું લાગતું નથી. પણ એવું સ્પષ્ટ માનવામાં આવી રહ્યું છે કે, દિવાળીના તહેવારો બાદ દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો જોવા મળશે અને આ ભાવ વધારો પણ લિટર દીઠ રૂ. પાંચથી ઓછો નહીં હોય. જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તેને જોતાં પેટ્રોલ અને ડિઝલમાં લિટર દીઠ રૂ. 10 સુધીનો પણ વધારો થઇ શકે છે. વૈશ્વિક પરિસ્થિતિ અને ખાસ કરીને મીડલ ઇસ્ટની સમસ્યાઓને જોતાં ટુંકસમયમાં આ સમસ્યાનું નિરાકરણ આવે તેવી શક્યતા ઓછી છે. જેમાં ઇરાન સમર્થિત હુથી બળવાખોરોએ જયારથી આ તણાવમાં ઝંપલાવ્યું છે, તેઓ સાઉદીને ટાર્ગેટ કરી રહ્યા છે, તેનાથી સાઉદી અરેબિયાની ઓઇલ રિફાઇનરીઓને મોટું નુકશાન થવાનો ભય છે. એટલું જ નહીં, લાલ સમુદ્રના બંદર યાનબુ પર પણ હુમલાઓ કર્યા હોવાની હુથી બળવાખોરોએ જવાબદારી લીધી હોવાથી આ તણાવ વધુ ગંભીર થઇ રહ્યો છે. બીજી તરફ, અમેરિકા અને ઇઝરાયલમાં મધ્યસત્ર ચુંટણી આવી રહી છે, તે દરમ્યાન બંને દેશો શાંત હોય તેવું લાગી રહ્યું છે, ત્યારબાદ અમેરિકા અને ઇઝરાયેલ સંયુક્ત હુમલા કરી શકે છે. બીજી તરફ, યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ પણ શાંત થઇ રહ્યું નથી, હવે યુક્રેને પણ રશિયાની ઓઇલ રિફાઇનરીઓને ટાર્ગેટ કરી રહી છે અને સતત હુમલા કરી રહ્યું છે. જેથી ક્રુડ ઓઇલના ભાવમાં ઘટાડો થવાની કોઇ સંભાવના દેખાતી નથી. હોર્મુઝ સ્ટ્રેટ પરથી પસાર થવાની સ્થિતિ સામાન્ય થઇ નથી, આ ખાડીમાં પરથી પસાર થતાં જહાજો પર હુમલા ચાલુ છે. આવનારા સમયમાં ઉર્જા કટોકટી સર્જાશે, ભારત જેવા મોટા ક્રુડના આયાતકાર દેશ માટે સમસ્યા વધુ ગંભીર બની શકે છે. જો આ સ્થિતિ 2026ના વર્ષ સુધી ચાલુ રહેશે તો ક્રુડ ઓઇલના ભાવ 150 ડોલર પ્રતિ બેરલને પાર નીકળી જાય તો નવાઇ નહીં. જેના પરિણામે ભારતને ભારે આર્થિક દબાણનો સામનો કરવા જેવો છે.
દિવાળી બાદ ભારતમાં પેટ્રોલ-ડિઝલના ભાવ વધારો થશે (બિઝનેસ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ બિઝનેસ અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.