ભારતે 2036 ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુરુવારે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)ના ફ્યુચર હોસ્ટ કમિશન સમક્ષ પોતાનું વિઝન અને રોડમેપ રજૂ કર્યું. ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA)એ વર્ચ્યુઅલ પ્રેઝન્ટેશન દ્વારા અમદાવાદની તૈયારીઓ, રમતગમતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રસ્તાવિત આયોજન સ્થળોની માહિતી આપી.26 નવેમ્બરે યોજાયેલી આ બેઠકમાં કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા અને ગુજરાતના ડેપ્યુટી CM હર્ષ સાંઘવી પણ હાજર રહ્યા હતા. IOAના અધ્યક્ષ પીટી ઉષા, CEO રઘુરામ અય્યર અને IOA એથ્લેટ્સ કમિશનની ચેરપર્સન પીવી સિંધુ પણ સામેલ થયા હતા. ભારત તરફથી IOC સભ્ય નીતા અંબાણી પણ હાજર રહ્યાં હતાં. લગભગ 30 મિનિટ સુધી ચાલેલા પ્રેઝન્ટેશન બાદ IOCના ફ્યુચર હોસ્ટ કમિશન અને ભારતીય પ્રતિનિધિમંડળ વચ્ચે ચર્ચા થઈ. તેમાં ગેમ્સના આયોજનની યોજના, સંભવિત ખર્ચ, ફંડિંગ, સ્થળોના માસ્ટરપ્લાન અને આયોજન બાદ મળનારા લાભો જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ. શહેરમાં વિશ્વસ્તરીય રમતગમતનાં મેદાનો અને તેમની સાથે જોડાયેલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાની યોજના રજૂ કરવામાં આવી.ભારતે મુખ્ય આંતરરાષ્ટ્રીય રમતગમત કાર્યક્રમોનું આયોજન કરવામાં પોતાનો અનુભવ પણ રજૂ કર્યો અને ઓલિમ્પિક માટે તેની લાંબા ગાળાની તૈયારીઓની રૂપરેખા આપી. 2036 ઓલિમ્પિકની યજમાની માટેની રેસમાં ભારત એકલું નથી. જર્મની, હંગેરી, કતાર, દક્ષિણ કોરિયા, દક્ષિણ આફ્રિકા અને તુર્કી પણ આ ઇવેન્ટનું આયોજન કરવામાં રસ દાખવી રહ્યા છે. અહેવાલો અનુસાર, IOC ડિસેમ્બરના ત્રીજા અઠવાડિયામાં એક સર્વેક્ષણ કરશે જેથી ઓલિમ્પિકની યજમાની માટે ભારતની દાવેદારી અંગે લોકોના અભિપ્રાય જાણી શકાય.આ સર્વેક્ષણના પરિણામો આવતા વર્ષે માર્ચમાં ભારતની દાવેદારીનું મૂલ્યાંકન કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. આ પછી, વ્યૂહાત્મક સંવાદનો તબક્કો શરૂ થશે.
OLYMPIC 2036: અમદાવાદની યજમાની માટે ભારતનો મજબૂત દાવો, IOC સમક્ષ રજૂ કર્યો રોડમેપ (Top Stories) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.