ટોરેન્ટ ગ્રૂપના યુએનએમ ફાઉન્ડેશન દ્વારા 'અભિવ્યક્તિ ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટ'ની આઠમી આવૃત્તિની શરૂઆત થઈ છે. એક પખવાડિયા સુધી અમદાવાદમાં યોજાનાર આ કળાના મહાકુંભમાં ૨૦૦થી વધુ કલાકારો, વાર્તાકારો, સંગીતકારો અને સર્જકો એક મંચ પર આવશે. ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ, અટીરા અને શ્રેયસ ફાઉન્ડેશન કેમ્પસમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. અભિવ્યક્તિ માત્ર એક કલામહોત્સવ પૂરતું સીમિત નથી,પરંતુ કલા દરેક વ્યક્તિ સુધી પહોંચે તેવા ઉદ્દેશ સાથે શરૂ થયેલી પહેલ આજે એક વ્યાપક સાંસ્કૃતિક અભિયાન બની છે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત સંગીતકાર ડ્રમર અને સંગીત નિર્દેશક રણજિત બારોટે આ વર્ષે આ અભિવ્યક્તિની આઠમી આવૃત્તિના ભવ્ય ઉદ્ઘાટન કાર્યક્રમમાં સમકાલીન વર્લ્ડ જાઝ ફ્યુઝન ' ચિંગારી'ની પ્રસ્તુતિ કરી હતી. આ પ્રસંગે યુએનએમ ફાઉન્ડેશનના અધ્યક્ષ સપના મહેતાએ કહ્યું કે, ગત વર્ષે ચાર લાખથી વધુ લોકોએ અભિવ્યક્તિનો સુંદર અનુભવ માણ્યો હતો. આ વર્ષે આ કળાના માધ્યમથી શહેરને જીવંત બનતું જોવાનો અનુભવ ખરેખર વિશિષ્ટ છે. આજે ૨૭ નવેમ્બરના રોજ ઈશાની દવેની 'સૂર-એ-રાષ્ટ્ર' પ્રસ્તુતિને ક્લારસિકો સાંજે ૬.૪૫ કલાકે ઉપાસના એમ્ફિથિયેટર, ગુજરાત યુનિવર્સિટી ખાતે માણી શકશે.
અભિવ્યક્તિ : ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટનો પ્રારંભ (ઈવેન્ટ ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.