મુખ્ય  /  સમાચાર  /  એનએસઇ વિશ્વનું પાંચમું સૌથી મુલ્યવાન એક્સચેન્જ બન્યું

એનએસઇ વિશ્વનું પાંચમું સૌથી મુલ્યવાન એક્સચેન્જ બન્યું

ટોપ સ્ટોરીઝ20 Nov 2026 · 7:54 PM 24 વ્યૂઝ

એનએસઇ માર્કેટ કેપના આધારે વિશ્વનું પાંચમું સૌથી મોટું લિસ્ટેડ સ્ટોક એક્સચેન્જ ઓપરેટર બની ગયું છે. સપ્ટેમ્બરમાં શેરબજારમાં લિસ્ટ થયા બાદ એનએસઇના શેરોમાં સતત તેજી જોવા મળી રહી છે, જેના કારણે કંપનીએ અમેરિકાના નાસ્ડેક અને હોંગકોંગ એક્સચેન્જ એન્ડ ક્લિયરિંગને પાછળ છોડી દીધા છે. તાજેતરના આંકડા મુજબ એનએસઇનું માર્કેટ કેપિટલાઇઝેશન આશરે 59.3 અબજ ડોલર સુધી પહોંચ્યું છે, જ્યારે નાસ્ડેક અને હોંગકોંગ એકસચેન્જનું મૂલ્યાંકન લગભગ 57.7 અબજ ડોલર છે. વૈશ્વિક રેન્કિંગમાં સીએમઇ ગ્રુપ 109.6 અબજ ડોલર સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે ઇન્ટરકોન્ટિનેન્ટલ એક્સચેન્જ, ડોઇચે બોર્સે અને લંડન સ્ટોક એક્સચેન્જ ગ્રુપ અનુક્રમે બીજા, ત્રીજા અને ચોથા સ્થાને છે. શુક્રવારે એનએસઇનો શેર રૂ. 2222ની સપાટીએ ટ્રેડ થતો હતો, જે આઇપીઓની રૂ. 1,785ની ઇશ્યૂ કિંમતની સરખામણીએ લગભગ 24.5 ટકા વધુ છે. આ તેજીના કારણે કંપનીનું બજાર મૂડીકરણ રૂ. 5.5 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે. આઇપીઓ સમયે આ આંકડો લગભગ રૂ. 4.4 લાખ કરોડ હતો. માત્ર બે મહિનાથી ઓછા સમયમાં એનએસઇના મૂલ્યાંકનમાં રૂ. 1.1 લાખ કરોડનો વધારો નોંધાયો છે. એનએસઇનું આ વૈશ્વિક ઉછાળો ભારતીય મૂડીબજારની વધતી તાકાત અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેની મજબૂત ઓળખનો પુરાવો માનવામાં આવી રહ્યો છે.

એનએસઇ વિશ્વનું પાંચમું સૌથી મુલ્યવાન એક્સચેન્જ બન્યું (ટોપ સ્ટોરીઝ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.

← સમાચાર પર પાછા