અમેરિકાના મધ્યસત્ર ચુંટણીના પરિણામો બાદ ગઇકાલે અમેરિકાના બજારોમાં ભારે કડાકો બોલાયો હતો. ખાસ કરીને એઆઇ સંબંધિત શેરોમાં કડાકો બોલાઇ જવાના કારણે આજે એશિયન બજારોમાં જોરદાર વેચવાલી હાવી રહી હતી. વૈશ્વિક બજારોમાં ખાનાખરાબી વચ્ચે ભારતીય શેરબજારમાં સુંદર પ્રદર્શન ચાલુ રહ્યું હતું અને આજે સેન્સેક્સે 81000 અને નિફ્ટીએ 25000 પોઇન્ટની સપાટી કુદાવી દીધી હતી. જ્યારે બેન્ક નિફ્ટીએ પણ 59000 પોઇન્ટની સપાટી વટાવી દીધી હતી. એઆઇ સંબંધિત શેરોમાં કડાકાભડાકાની વચ્ચે એફઆઇઆઇનું આજે પણ ભારતીય શેરબજારમાં લેવાલી જોવા મળી હતી. શરૂઆતમાં વૈશ્વિક બજારોની પાછળ ભારતીય શેરબજાર લાલ નિશાનમાં ખુલ્યું હતું, પરંતુ શરૂઆતી મિનિટોમાં જ ખરીદી ચાલુ થઇ જતાં શેરબજાર પોઝિટિવ આવ્યું હતું અને છેલ્લે દિવસના ઉપલા સ્તરે બંધ રહ્યું હતું. જોકે, બ્રોડર માર્કેટમાં ધીમો સુધારો રહ્યો હતો. સેકટર વાઇઝ જોઇએ તો પ્રાઇવેટ બેન્ક શેરોમાં તેજીનો પવન ફુંકાયો હતો, જેને ફાર્મા શેરોએ પણ ટેકો આપ્યો હતો. પીએસયુ બેન્કમાં પણ ધીમો સુધારો જોવાયો હતો. ઓટો શેરોમાં તેજી આગળ વધી હતી. આઇટી શેરો શરૂઆતમાં ગેપ અપ ઓપનીંગ કર્યા બાદ નફાવસુલીએ નજીવા સુધારા સાથે બંધ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, લાર્જકેપ્સના આકર્ષક વેલ્યુએશનના કારણે રોકાણકારો ખરીદી કરતા જોવા મળ્યા હતા. અમેરિકાના શેરબજારમાંથી એક જ દિવસમાં અંદાજે 3 ટ્રિલિયન ડોલર એટલે કે આશરે રૂ. 285 લાખ કરોડની માર્કેટ વેલ્યુનું ધોવાણ થયું છે. ખાસ કરીને એઆઇ સંબંધિત શેરોમાં ધોવાણ થયું હતું. અમેરિકાના ધોવાણની પાછળ એશિયાના બજારમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. જેની સામે ભારતીય શેરબજારમાં શરૂઆત નરમ રહી હતી, પણ રીકવર થઇને પોઝિટિવ આગળ વધી રહ્યું છે. એશિયન બજારોમાં દક્ષિણ કોરિયાના કોસ્પી ઇન્ડેકસમાં 8 ટકાથી વધુનો કડાકો બોલાયો હતો. જાપાનનો નીક્કી 5 ટકાથી વધુ ઘટ્યો હતો. એઆઇ અને સેમિકન્ડકટર કંપનીઓના શેરોમાં ભારે વેચાણના કારણે એશિયન બજારોમાં હોબાળો મચી ગયો છે. કોસ્પી 8.8 ટકા સુધી ઘટ્યો હતો, જે 5000 પોઇન્ટના મનોવૈજ્ઞાનિક સ્તરથી નીચે આવી ગયો હતો. આ સિવાય અન્ય બજારોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.
ધનતેરસ રોકાણકારોને ફળ્યો, શેરબજારમાં જબરદસ્ત ઉછાળો, રૂપિયો 94ની નીચે (ટોપ સ્ટોરીઝ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.