ઇઝરાયેલ-ઇરાન સંઘર્ષની અસર વચ્ચે ક્રુડ ઓઇલના ભાવમાં થયેલા વધારાને પગલે પોલિમરના ભાવમાં તીવ્ર વધારો થતાં ગુજરાતના પ્લાસ્ટિક ઉત્પાદન ક્ષેત્ર પર ખર્ચનું દબાણ વધ્યું છે. પ્લાસ્ટિક ઉત્પાદકોના જણાવ્યા મુજબ કાચા માલના ભાવમાં અચાનક થયેલા વધારાથી ઇનપુટ ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે, ખરીદીની પ્રક્રિયામાં ફેરફાર આવ્યો છે અને અનેક એકમો તેમની સ્થાપિત ઉત્પાદન ક્ષમતાની સરખામણીમાં ઘણી ઓછી ક્ષમતાએ કામ કરવા મજબૂર બન્યા છે. ગુજરાત દેશમાં પ્લાસ્ટિક ઉત્પાદન ક્ષેત્રે અગ્રણી રાજ્ય છે. દેશના કુલ પ્લાસ્ટિક ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો અંદાજે 35થી 40 ટકા જેટલો છે અને રાજ્યમાં 15000થી 20000 વધુ પ્લાસ્ટિક ઉત્પાદન એકમો કાર્યરત છે. જે પાંચથી સાત લાખ લોકોને રોજગારી પુરી પાડે છે. નાના મોલ્ડિંગ વર્કશોપથી લઇને પેકેજિંગ, કન્ઝ્યુમર ગુડ્સ અને ઓટોમોબાઇલ ઘટકોનું ઉત્પાદન કરતા મોટા પ્રોસેસર્સ સુધીના ઉદ્યોગો પર પોલિમરના વધતા ભાવની અસર જોવા મળી રહી છે. ઉદ્યોગના પ્રતિનિધિઓના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક મહિનામાં પોલિમરના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. તેના કારણે ઉત્પાદકોના નફાના માર્જિનમાં ઘટાડો થયો છે અને વર્કિંગ કેપિટલ પર પણ ભારે દબાણ આવ્યું છે. ખાસ કરીને નાના અને મધ્યમ કદના એકમો માટે પરિસ્થિતિ વધુ મુશ્કેલ બની છે. અગાઉ ભાવ અને સપ્લાયમાં થતી વધઘટને ધ્યાનમાં રાખીને પૂરતો કાચો માલ સ્ટોકમાં રાખતા એકમોએ હવે ખરીદીમાં ઘટાડો કર્યો છે. ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિયેશનના પ્લેકસપોના સેક્રેટરી રમેશ ઠુમ્મરે જણાવ્યું હતું કે અગાઉ ઉત્પાદકો સપ્લાયમાં થતી અસ્થિરતાને પહોંચી વળવા માટે કાચા માલનો સ્ટોક રાખતા હતા, પરંતુ હાલની સ્થિતિમાં તેમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. નાના અને મધ્યમ ઉદ્યોગો માટે નાણાકીય દબાણ સૌથી વધુ છે. મોંઘા ભાવે પૂરતો સ્ટોક રાખવો તેમના માટે મુશ્કેલ બની રહ્યો છે. તેમના જણાવ્યા અનુસાર કેટલાક કારખાનાઓ હાલ તેમની કુલ ઉત્પાદન ક્ષમતાના અડધાથી પણ ઓછા સ્તરે ચાલી રહ્યા છે. જો આ સ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહે તો દિવાળી બાદ કેટલાક ઉદ્યોગો કામચલાઉ રીતે ઉત્પાદન બંધ કરવાનો પણ વિચાર કરી શકે છે. કાચા માલના ભાવમાં સતત વધઘટને કારણે ઉત્પાદકોની ખરીદીની પદ્ધતિમાં પણ ફેરફાર આવ્યો છે. અગાઉ કંપનીઓ મોટા પ્રમાણમાં કાચો માલ ખરીદીને સ્ટોક રાખતી હતી, જ્યારે હવે મોંઘા સ્ટોકમાં નાણાં ફસાઇ ન જાય તે માટે ટૂંકા ગાળાના અંતરે જરૂરીયાત મુજબ ખરીદી કરવામાં આવી રહી છે. જોકે, આ પદ્ધતિના કારણે ભાવમાં વધુ વધારો થાય અથવા સપ્લાયમાં અડચણ આવે તો ઉત્પાદન અટકી જવાનું જોખમ પણ વધી રહ્યું છે. આ પડકારજનક પરિસ્થિતિ વચ્ચે ઉદ્યોગના આગેવાનોનું માનવું છે કે કાચા માલના ભાવ સ્થિર થયા બાદ નવા ક્ષેત્રોમાં વધતી પ્લાસ્ટિકની માંગ ઉદ્યોગને ટેકો આપી શકે છે. પ્લેક્સપોના ચેરમેન ભરત પટેલે જણાવ્યું હતું કે ઇલેક્ટ્રિક મોબિલિટી અને રિન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રોમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. ખાસ કરીને ઇલેક્ટ્રિક વાહનોના ઘટકો તેમજ સોલાર સપ્લાય ચેઇન સાથે સંકળાયેલા ઉત્પાદનોમાં પ્લાસ્ટિક પ્રોસેસર્સ માટે નવી તકો ઊભી થઇ રહી છે. દરમિયાન ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિયેશને તેની મુખ્ય ઉદ્યોગ પ્રદર્શની પ્લેકસપો-2027 અંગે જાહેરાત કરી છે. આ પ્રદર્શન સપ્ટેમ્બર 2027માં ગાંધીનગર ખાતે યોજાશે. આયોજકોને 900થી વધુ પ્રદર્શકોની ભાગીદારીની અપેક્ષા છે. હાલના ઊંચા કાચા માલના ભાવના પડકાર વચ્ચે આ પ્રદર્શન પ્લાસ્ટિક ઉદ્યોગ સાથે સંકળાયેલી કંપનીઓને નવા બજારો, ટેક્નોલોજી અને વ્યવસાયિક તકો શોધવા માટે મહત્વનું પ્લેટફોર્મ પુરૂં પાડશે. આ સંદર્ભમાં પ્લેક્સપોના કમિટિ મેમ્બર પ્રેરક પટેલે જણાવ્યું હતું કે, ફુડ પ્રોસેસીંગ ઇન્ડસ્ટ્રીઝ પેકેજીંગ ઉપર જ નિર્ભર છે. પેકેજીંગ મટીરીયલ્સના ભાવોમાં વધારાના કારણે પેકીંગ કોસ્ટના ભાવ વધ્યા છે, જેથી ફુડ પ્રોસેસીંગ, કન્ફેકશનરી ઇન્ડસ્ટ્રીઝ ઉપર વધારાનું ભારણ આવ્યું છે અને સેકટરની નફાકારકતા ઘટી છે, જે લાંબાગાળે વિપરીત સંજોગોમાં રૂપાતંરિત થઇ શકે છે. એકંદરે, પોલિમરના વધતા ભાવને કારણે ગુજરાતના પ્લાસ્ટિક ઉદ્યોગ માટે હાલનો સમય પડકારજનક બન્યો છે. ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગો માટે વર્કિંગ કેપિટલ અને ઉત્પાદન ક્ષમતા જાળવી રાખવી મુખ્ય પડકાર બની છે. જોકે, ઇવી અને રિન્યુએબલ એનર્જી જેવા ઉભરતા ક્ષેત્રોમાં વધતી માંગ લાંબા ગાળે ઉદ્યોગ માટે નવી આશા ઊભી કરી શકે છે.
કાચા માલના ભાવમાં ઉછાળાથી પ્લાસ્ટિક ઉદ્યોગની મુશ્કેલીઓ વધશે (ટોપ સ્ટોરીઝ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.