મુખ્ય  /  સમાચાર  /  મીડલ ઇસ્ટમાં તણાવ, બોન્ડ માર્કેટમાં ભૂકંપ

મીડલ ઇસ્ટમાં તણાવ, બોન્ડ માર્કેટમાં ભૂકંપ

બિઝનેસ22 Oct 2026 · 5:53 PM 114 વ્યૂઝ

મીડલ ઇસ્ટમાં વધતા ભૌગોલિક રાજકીય તણાવ અને ક્રુડ ઓઇલના ભાવમાં અનિયંત્રિત વધારાને કારણે દેશની 10 વર્ષીય સરકારી બોન્ડ યીલ્ડ ત્રણ વર્ષની ઊંચી સપાટીએ 7.44 ટકા પર પહોંચી ગઇ છે. અગાઉનું સ્તર 10 માર્ચ, 2023ના રોજ જોવા મળ્યું હતું, જ્યારે છુટક ફુગાવો વધીને 5.66 ટકા થયો હતો. બોન્ડ માર્કેટમાં આ તેજી રાતોરાત આવી નથી, પરંતુ આ વર્ષની શરૂઆતથી તે સતત વધી રહી છે. આવનારા સમયમાં વધુ વ્યાજ દરમાં વધારો થવાની સંભાવના છે. માત્ર એક મહિનામાં બોન્ડ યીલ્ડમાં 40 બેસિસ પોઇન્ટનો વધારો થયો છે. 1 જાન્યુઆરી, 2026થી, યીલ્ડમાં કુલ 85 બેસિસ પોઇન્ટનો વધારો થયો છે. બોન્ડ માર્કેટની સાથે સાથે ફોરેન એક્સચેન્જ માર્કેટમાં પણ ઘણી એક્ટિવિટી જોવા મળી રહી છે, જ્યાં રૂપિયા-ડોલર લગભગ 11 પૈસા નબળી પડીને 94.90 રૂપિયાના સ્તર પર પહોંચી ગઇ છે. આ સમગ્ર સંકટનું મૂળ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઇલની કિંમત છે. બ્રેન્ટ ક્રુડ વાયદો 110 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયો છે. છેલ્લા એક દિવસમાં તેલના ભાવમાં 1.74 ટકાનો વધારો થયો છે. જો આપણે ગયા સપ્તાહના વલણ પર નજર કરીએ તો ક્રુડના ભાવ મે 2026માં જોવા મળેલા સ્તરે પાછા ફર્યા છે. જો કે આ વખતે 110 ડોલરની આ સફર થોડી વધુ ધીમી રહી છે, પરંતુ અર્થતંત્ર પર તેનું દબાણ ખૂબ જ ઊંડું છે. પશ્ચિમ એશિયામાં પરિસ્થિતિ ફરી એકવાર બગડતી જણાય છે, જેના કારણે વૈશ્વિક પુરવઠામાં વિક્ષેપનો આશ છે. ક્રુડના ઊંચા ભાવને કારણે ભારત જેવા દેશમાં, જે તેના મોટાભાગના ક્રૂડ ઓઇલની આયાત કરે છે, મોંઘવારીનું જોખમ વધી ગયું છે. દેશની મોટી બેંકોના ટ્રેઝરી હેડ પરિસ્થિતિ પર બારીક નજર રાખી રહ્યા છે. તેમનું કહેવું છે કે ક્રુડ ઓઇલના વર્તમાન ભાવના સ્તરને જોતા ભવિષ્યમાં બોન્ડ યીલ્ડ 7.5 ટકા સુધી વધી શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે બોન્ડ યીલ્ડમાં રાહત મેળવવાનો એકમાત્ર રસ્તો એ છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઇલના ભાવ નીચે આવે અને લાંબા સમય સુધી ટકાઉ રીતે સમાન નીચલા સ્તરે રહે.

મીડલ ઇસ્ટમાં તણાવ, બોન્ડ માર્કેટમાં ભૂકંપ (બિઝનેસ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.

← સમાચાર પર પાછા