સેટેલાઇટ ઇન્ટરનેટ ક્ષેત્રે ક્રાંતિ સર્જનારી સ્પેસએક્સ કંપનીના વડા એલોન મસ્કે હવે ગ્લોબલ ટેલિકોમ માર્કેટમાં ધડાકો કરવાની તૈયારી કરી લીધી છે. કંપની વર્ષ 2027ના અંત સુધીમાં પોતાની સત્તાવાર સબસક્રિપ્શન આધારિત મોબાઇલ સેવા શરૂ કરવાનું આયોજન કરી રહી છે. આ જાહેરાત થતા જ અમેરિકાની અગ્રણી ટેલિકોમ કંપનીઓમાં કડાકો બોલાવાનું શરૂ થઇ ગયું છે. જેમાં ટી-મોબાઇલ, વેરિઝોન અને એટી એન્ડ ટીનો સમાવેશ થાય છે. સ્પેસએક્સના પ્રેસિડન્ટ ગ્વિન શોટવેલેએ જણાવ્યું હતું કે, અમેરિકાનું સેલ્યુલર માર્કેટ 600 અબજ ડોલરનું છે અને સ્ટારલિંક તેમાં મોટો હિસ્સો મેળવવા આશાવાદી છે. કંપની ડાયરેકટ સેટેલાઇટ કનેકટીવિટી મારફતે કવરેજ વગરના ડેડ ઝોન સંપુર્ણપણે નાબૂદ કરશે. જેથી કુદરતી આપત્તિના સમયે પણ મોબાઇલ નેટવર્ક બિનઅસરગ્રસ્ત રહેશે. મોબાઇલ સેવા માટે કંપની પોતાના સ્ટારલિંક બ્રોડબેન્ડ ડિશ પર જ સેલ્યુલર બેઝ સ્ટેશન લગાવીને ટેરેસ્ટ્રીયલ નેટવર્ક ઉભું કશે, જેથી સ્પેકટ્રમ પાછળ કરવો પડતો મોટો ખર્ચ બચી જશે. 2025માં કંપનીએ ઇકોસ્ટાર પાસેથી 19.6 અબજ ડોલરના ખર્ચે 65 એમએચઝેડનો વાયરલેસ સ્પેકટ્રમ લાયસન્સ પણ ખરીદ્યો હતો. અમેરિકાના ટેલિકોમ ક્ષેત્રમાં હાલ વેરિઝોન 146 મિલિયન યુઝર્સ, ટી-મોબાઇલ 130 મિલિયન યુઝર્સ, અને એટી એન્ડ ટી 110 મિલિયન યુઝર્સ એમ ત્રણ કંપનીઓનો 95 ટકા હિસ્સો છે. આ કંપનીઓએ ત્રમ દાયકાના સમયગાળામાં અબજો ડોલરના રોકાણથી વિશાળ નેટવર્ક ઉભું કર્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી ટી-મોબાઇલ અને સ્ટારલિંક વચ્ચે કવરેજ ક્ષેત્ર બહાર ડાયરેક્ટ ટુ સેલ કનેક્ટીવિટી માટે ભાગીદારી હતી, પરંતુ સ્પેસએક્સની આ નવી યોજનાથી બંને કંપનીઓ હવે સીધી પ્રતિસ્પર્ધી બની ગઇ છે. ભારત સહિત વિશ્વના અન્ય દેશોમાં જ્યાં હજુય સ્ટારલિંક સેટેલાઇટ સેવા મંજુરીની રાહ જોઇ રહી છે, ત્યાં સ્પેસએક્સના આ નવા પ્લાનથી વિશ્વભરના ટેલિકોમ માર્કેટમાં પણ ભારે ચર્ચા જગાવી છે.
સ્પેસએક્સનો મોટો ધડાકો, સ્ટારલિંક મોબાઇલ સેવા શરૂ કરશે (બિઝનેસ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.