સ્માર્ટ ફોન એ જીવનનો એક હિસ્સો બની ગયો છે, જેની અવિરત સંખ્યા વધતી જોવા મળી રહી છે. ગુજરાતમાં એવી હકીકત બહાર આવી છે કે, જેમાં રાજ્યની વસતિની સામે મોબાઇલ ફોનની સંખ્યા વધી ગઇ છે. તાજતેરમાં ટ્રાઇએ જાહેર કરેલા આંકડા અનુસાર ટેલિકોમ ઓપરેટરોએ મે મહિનામાં 4.06 લાખ નવા ગ્રાહકો ઉમેર્યા હતા, જેના કારણે રાજ્યની ટેલીડેન્સિટી લગભગ પાંચ વર્ષમાં પ્રથમ વખત 100 ટકાને પાર નીકળી ગઇ છે. ગુજરાતમાં કુલ ટેલિકોમ સબસ્ક્રાઇબર બેઝ 7.2 કરોડ પર પહોંચી ગયો છે, જેનાથી જુલાઇ 2021 પછી પ્રથમ વખત ટેલીડેન્સિટી 100 ટકાની ઉપર ગઇ છે. સબસ્ક્રાઇબર્સ વધવાના કારણોમાં પરપ્રાંતિય શ્રમિકોના લીધે નવા ગ્રાહકો ઉમેરાયા છે, તેમજ ઓપરેટરોએ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં તેમના નેટવર્કનો વિસ્તાર કર્યો છે, જ્યારે પોર્ટિબિલીટીની વિનંતીઓએ પણ એકંદરે વધારામાં ફાળો આવ્યો છે. ઓપરેટરો વચ્ચેની સ્પર્ધા પણ આ માટે એક મોટું પરિબળ છે. કંપની વાઇઝ જોઇએ તો રિલાયન્સ જિયોના 3.33 કરોડ ગ્રાહકો સાથે રાજ્યની સૌથી મોટી ટેલિકોમ પ્રોવાઇડર કંપની રહી છે, ત્યારબાદ વોડાફોન આઇડિયા 1.98 કરોડ, ભારતી એરટેલ 1.57 કરોડ અને બીએસએનએલ 32 લાખ ગ્રાહકો છે. ટ્રાઇના રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, ગુજરાતમાં 5જી ફિક્સ્ડ વાયરલેસ ગ્રાહકોની સંખ્યા એપ્રિલમાં 6.75 લાખ હતી, તે વધીને મે મહિનામાં 6.84 લાખ થઇ ગઇ છે.
બોલો, ગુજરાતમાં વસતિ કરતા મોબાઇલ ફોનની સંખ્યા વધુ થઇ ગઇ (સમાચાર) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.