જીવનમાં સકારાત્મકતા, સર્જનાત્મક વિચારસરણી અને આધ્યાત્મિક સમૃદ્ધિનું મહત્ત્વ સમજાવતાં ‘મંતવ્ય ન્યૂઝ’ના સીઈઓ-એમડી જિજ્ઞેશ પટેલ લિખિત ત્રણ પ્રેરણાદાયી પુસ્તકોનું અમદાવાદમાં ભવ્ય વિમોચન યોજાયું હતું. ‘મનની વાત, મંતવ્ય યુ’ — A Conversation of Thoughts, Stories and Perspectives થીમ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમનું આયોજન મંતવ્ય ન્યૂઝ 24X7, આદર્શ પ્રકાશન, કર્મા ફાઉન્ડેશન અને ગુજરાતી બુક ક્લબના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. સમારોહમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, જાણીતા મોટિવેશનલ સ્પીકર સંજયભાઈ રાવલ અને લોકપ્રિય આર.જે. દેવકી સહિત રાજકીય, સામાજિક અને સાહિત્ય ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે ત્રણેય પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું. વિમોચિત પુસ્તકોમાં ‘લવ યુ જિંદગી’, ‘થિંક આઉટસાઇડ ધ બોક્સ’ અને ‘ધ રિચેસ્ટ મેન ઇન બેબિલોન’નો સમાવેશ થાય છે. આ પુસ્તકોના માધ્યમથી જીવન પ્રત્યે હકારાત્મક અભિગમ કેળવવા, પરંપરાગત વિચારસરણીથી આગળ વધવા, નવી દૃષ્ટિ વિકસાવવા અને આર્થિક સમજણનું મહત્ત્વ ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ માત્ર પુસ્તકોના વિમોચન પૂરતો મર્યાદિત ન રહેતાં વાંચન, વિચાર અને જીવનમાં પરિવર્તન લાવવાની પ્રેરણા આપતો સાહિત્યિક પ્રસંગ બન્યો હતો. મહાનુભાવોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ ગૌરવ અપાવ્યું હતું.
સકારાત્મકતા, સર્જનાત્મક વિચારસરણી અને આધ્યાત્મિક સમૃદ્ધિનો સંદેશ આપતાં પુસ્તકોનું લોકાર્પણ (બુક લોન્ચ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.