મુખ્ય  /  સમાચાર  /  સાવરકુંડલામાં દિવાળીની રાત્રે જામી ‘ઈંગોરિયાની લડાઈ’- 100 વર્ષ જૂની પરંપરાગત રમત

સાવરકુંડલામાં દિવાળીની રાત્રે જામી ‘ઈંગોરિયાની લડાઈ’- 100 વર્ષ જૂની પરંપરાગત રમત

તહેવાર 9 Nov 2026 · 9:33 AM 35 વ્યૂઝ

દેશભરમાં દિવાળીની ઉજવણી વિવિધ રીતે કરવામાં આવે છે, પરંતુ અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં દિવાળીની રાત્રે ઉજવણીનો માહોલ તદ્દન અનોખો જ જોવા મળે છે. અહીં વર્ષો જૂની પરંપરા મુજબ યુવાનો દ્વારા રોમાંચક ‘ઈંગોરિયાની લડાઈ’ યોજવામાં આવે છે. 'ઈંગોરીયાની લડાઈ' એ ગુજરાતના અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં દિવાળીની રાત્રે ઉજવાતી ૧૦૦ થી ૧૫૦ વર્ષ જૂની એક અનોખી અને સાહસિક પરંપરા છે. આ ઉત્સવમાં લોકો પરંપરાગત ફટાકડા ફોડવાને બદલે 'ઈંગોરીયા' નામના ફળમાં દારૂખાનું ભરીને એકબીજા પર સળગતા ગોળા ફેંકે છે. આ અનોખી રમત દર વર્ષે દિવાળીની રાત્રે નાવલી નદીના બંને કાંઠે તેમજ દેવળા ગેટ અને મણીભાઈ ચોક વિસ્તારમાં રમાય છે. ઈંગોરીયા એ ગીરના જંગલો અને સૌરાષ્ટ્રના સૂકા વિસ્તારોમાં થતા કાંટાળા વૃક્ષનું એક ફળ છે. નવરાત્રી બાદ આ ફળોને એકઠા કરીને સૂકવવામાં આવે છે, તેમાં કાણું પાડી અંદરનો ગર્ભ કાઢી લેવામાં આવે છે અને ત્યારબાદ તેમાં સુરોખાર, ગંધક અને કોલસાનો પાવડર (દારૂખાનું) ભરીને વાટ મૂકવામાં આવે છે. દિવાળીની રાત્રે સાવર અને કુંડલા બંને બાજુના યુવાનો સામસામે આવી જાય છે અને સળગતા ઈંગોરીયા હાથમાં ફેરવીને એકબીજા તરફ ફેંકે છે. રાત્રિના અંધકારમાં આકાશમાં ઉડતા આગના ગોળા અદભૂત દ્રશ્ય સર્જે છે. આ ફટાકડા ફૂટતા નથી પરંતુ રોકેટની જેમ તેમાંથી આગની જ્વાળાઓ નીકળે છે, જેનાથી ગંભીર ઈજા થતી નથી. લડાઈ પૂરી થયા બાદ બંને પક્ષના લોકો એકબીજાને ગળે મળીને દિવાળીની શુભેચ્છાઓ પાઠવે છે

સાવરકુંડલામાં દિવાળીની રાત્રે જામી ‘ઈંગોરિયાની લડાઈ’- 100 વર્ષ જૂની પરંપરાગત રમત (તહેવાર ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.

← સમાચાર પર પાછા