મુખ્ય  /  સમાચાર  /  ગુજરાતમાં 40 હજાર શિક્ષકો અને 19128 ઓરડાની ઘટ, 1606 શાળામાં એક જ શિક્ષક

ગુજરાતમાં 40 હજાર શિક્ષકો અને 19128 ઓરડાની ઘટ, 1606 શાળામાં એક જ શિક્ષક

ટોપ સ્ટોરીઝ23 Oct 2026 · 11:57 AM 122 વ્યૂઝ

સમગ્ર દેશમાં ગુજરાત મોડલની વાતો થાય છે ત્યારે શિક્ષણ ક્ષેત્રમાં ગુજરાતમાં શિક્ષણની હાલત અત્યંત ખરાબ થઇ રહી છે, ગુજરાતમાં સરકારી શિક્ષણની વર્તમાન સ્થિતિ જોઇએ તો ગુજરાતમાં 40000 શિક્ષકોની ઘટ છે, તેમાંથી 1606 શાળાઓ માત્ર એક જ શિક્ષકથી ચાલે છે, 50385 શાળાઓના ઓરડાઓ જર્જરિત છે, તો 19128 ઓરડાઓની ઘટ છે,એટલું જ નહીં શિક્ષકોના માથે શિક્ષણ સિવાયના 14 બિન શૈક્ષણિક કામોની જવાબદારી સોંપવામાં આવતી હોવાથી બાળકોના અભ્યાસ પર ખરાબ અસર થઇ રહી છે. 1. શિક્ષકોની ઘટ ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગમાં બાલવાટિકાથી લઇને ધોરણ 8 સુધીમાં 1,92,043 જેટલા શિક્ષકોનું મહેકમ છે. જેમાંથી હાલ 23,659 જેટલા શિક્ષકોની ઘટ છે. જેમાં બાલવાટિકાથી ધોરણ 5 સુધીમાં 15,341 અને ધોરણ 6 થી 8માં 8,318 શિક્ષકોની છે. ઉપરાંત માધ્યમિકમાં 7,324 શિક્ષકોની ઘટ છે, જેમાં મંજૂર થયેલા 31,337 શિક્ષકો છે. તેવી જ રીતે ઉચ્ચતર માધ્યમિકમાં મંજૂર થયેલા 24,416 શિક્ષકો પૈકી હાલમાં 8,033 જગ્યા ખાલી પડી છે. આમ સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં કુલ 55,753 શિક્ષકો પૈકી 15,357 શિક્ષકોની ઘટ છે.આમ કુલ 40 હજાર જેટલા શિક્ષકોની ઘટ છે. રાજ્યમાં 33,339 સરકારી શાળાઓ આવેલી છે. જેમાં ધોરણ 1થી 8 માં હાલ 50,57,477 વિદ્યાર્થીઓ, ધોરણ-9થી 12માં 1,85,090 વિદ્યાર્થીઓ મળીને રાજ્યની સરકારી શાળાઓમાં 52,42,567 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેની સામે ફક્ત 1.73 લાખ શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે. સરકાર દ્વારા 25 હજારમાંથી 10 હજાર શિક્ષકોની ભરતી કરવામાં આવશે, 2. એક શિક્ષકથી ચાલતી 5.3 ટકા શાળાઓ વાયબ્રન્ટ ગુજરાતમાં 1606 પ્રાથમિક શાળા માત્ર એક જ શિક્ષકથી ચાલી રહી છે. આ શાળાઓમાં આશરે 50 હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ગુજરાતમાં ધોરણ-1થી ધોરણ-8ના વિદ્યાર્થીઓને ભણાવવા માટે શાળામાં એક શિક્ષક હોય તો શિક્ષણનું સ્તર કેવી રીતે સુધરે, એક શિક્ષકની શાળાઓમાં અમદાવાદમાં પણ 17, ભરૂચમાં 102, બોટાદમાં 29, છોટાઉદેપુરમાં 283, દાહોદમાં 20, ડાંગમાં 10 અને ગાંધીનગર 8 શાળાઓ એક શિક્ષકથી ચાલે છે. તે જોતા રાજ્યની કુલ શાળાના 5.3% શાળાઓમાં એક જ શિક્ષક હોવાનો સ્વીકાર વિધાનસભામાં ખુદ શિક્ષણમંત્રી ડીંડોરે કર્યો હતો. 3. જર્જરિત શાળાઓ ગુજરાતની 6895 શાળાઓમાં 50385 કલાસરૂમ જર્જરીત છે જેમાંથી 7599 શાળાઓ પતરાંના શેડમાં ચાલી રહી છે. જયારે સરકારના શિક્ષણ વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં કુલ 6,895 જેટલી શાળાઓના 21,910 જેટલા સંપૂર્ણ જર્જરીત પરિસ્થિતિમાં હતા અને 28,475 ઓરડામાં રીપેરીંગની જરૂર હતી. જેમાં સરકાર દ્વારા હાલમાં કુલ 1524 જેટલા ટેન્ડર શાળા અને ઓરડાઓના રીપેરીંગ માટે બહાર પાડવામાં આવ્યા છે. જેમા 757 જેટલા ટેન્ડર સરકાર દ્વારા પાસ કરવામાં આવ્યા છે. જેમાંથી કુલ 3267 શાળાઓના 9667 ઓરડાઓ નવા બનાવવાનું અને 20,899 ઓરડાઓનું રીપેરીંગ કામ હાથ ધરવામાં આવ્યું છે.આમ સરકાર ની યોજના મુજબ 9667 ઓરડાઓ સંપૂર્ણપણે નવા તૈયાર કરવામાં આવશે. જ્યારે 20,899 ઓરડાઓઓનું સમારકામ કરવામાં આવશે. જ્યારે ગુજરાતમાં કુલ 6895 શાળાના 21,910 ઓરડાઓ સંપૂર્ણ નવા અને 24,475 ઓરડાઓ રીપેરીંગ કરવામાં આવશે. 4. 2018 શાળાઓમાં કોમ્યુટર આપ્યા પણ ઇન્ટરનેટ જ નથી ગુજરાતમાં બે હજારથી વધુ સરકારી સ્કુલોમાં ઇન્ટરનેટની સવલત નથી. ગુજરાતમાં 2018 સરકારી શાળામાં ઇન્ટરનેટની સુવિધા નથી. ગુજરાતમાં વર્ષ 2005-06થી 2022-23ના અરસામાં 7199 શાળાઓમાં કોમ્પ્યુટર લેબોરેટરી ઊભી કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી, પરિણામે અનેક શાળાઓમાં કોમ્પ્યુટરો ધૂળ ખાય છે. અનેક સ્કુલોમાં બોક્સ પેક ખોલાયા નહોતા, કોમ્પ્યુટર શિક્ષકોની ભરતી કરવામાં આવી નહોતી અંતે, કરોડો રૂપિયાની ગ્રાન્ટ થી ખરીદાયેલા નવા કોમ્પ્યુટરો થોડા સમય પહેલા ડીસકાર્ડ કરીને હરરાજીથી ગુજરાત સરકારની કંપની ગુજરાત ઈન્ફોમેટીક્સ લી ના માધ્યમથી ભંગારના ભાવે વેંચી દેવામાં આવ્યા હતા. 5. શિક્ષકો પર શિક્ષણ સિવાયનું ભારણ ગુજરાતમાં શિક્ષકોની ઘટ હોવા છતાં પણ શિક્ષકો પાસે અભ્યાસ ઉપરાંત અલગ અલગ સરકારી 14 બિન શૈક્ષણિક કામો સોંપવામાં આવે છે, ગુજરાતમાં કોરોનાથી લઈને મનરેગાના શ્રમિકોની ગણતરી કરવાની કામગીરી કરવાની હોય છે, ચૂંટણીની કામગીરીથી માંડીને પશુ ગણતરીનું પણ કામ કરવું પડે છે. શિક્ષકોના માથે 14 બિનશૈક્ષણિક કામગીરીઓ 1. કુટુંબ કલ્યાણ નસબંધી કેસોનું મોટિવેશન 2. વસતી ગણતરી 3. બાળમજુરોની ગણતરી 4. ચૂંટણી અંગેની કામગીરી ફોટો ઓળખકાર્ડનું વિતરણ 5. પશુ ગણતરી 6. સાક્ષરતા 7. અનુસાક્ષરતા 8. રાહતકામ 9. ખોદકામની મોજણી 10. નબળા વર્ગની આર્થિક મોજણી 11. પોલિયો રસીકરણ 12. મેલેરિયા ગોળી વિતરણ 13.અન્ય મોજણી 14 નાની બચત અંગેના લક્ષ્યાંકો સિદ્ધ કરવા મોટીવેશન કામગીરી 6. ભારણની આડઅસરો શિક્ષક પર વધુ ભારણનાં લીધે સમયસર અભ્યાસક્રમ પૂર્ણ થઇ શકતો નથી. તેમજ બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ પણ મળતું નથી. બાળકોનો પ્રાથમિક પાયો નબળો રહે છે, તેમજ બાળકોએ જાતે અભ્યાસક્રમ તૈયાર કરવો પડે છે. જો અભ્યાસક્રમ સમયસર પૂર્ણ ન થાય તો વિદ્યાર્થીઓનાં નાપાસ થવાના પ્રમાણમાં વધારો થાય છે. તેમજ શિક્ષકના અભાવે વિદ્યાર્થીઓ સ્કૂલે જવાનું ટાળે છે.

ગુજરાતમાં 40 હજાર શિક્ષકો અને 19128 ઓરડાની ઘટ, 1606 શાળામાં એક જ શિક્ષક (ટોપ સ્ટોરીઝ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.

← સમાચાર પર પાછા