મુખ્ય  /  સમાચાર  /  આઇડીબીઆઇ બેન્ક બાદ ચાર બેન્કોમાં હિસ્સેદારી વેચવા માટે તૈયારી શરૂ કરાઇ

આઇડીબીઆઇ બેન્ક બાદ ચાર બેન્કોમાં હિસ્સેદારી વેચવા માટે તૈયારી શરૂ કરાઇ

બિઝનેસ23 Oct 2026 · 11:30 AM 79 વ્યૂઝ

ચાર બેન્કોમાં સરકાર હિસ્સેદારી ઘટાડીને 75 ટકા કરાશે, સેન્ટ્રલ બેન્ક અને આઇઓબીનું ખાનગીકરણ તરફ આગળ વધશે ભારત સરકાર ચાર જાહેર ક્ષેત્રની બેન્કોમાં પોતાનો હિસ્સો ઘટાડવાનું વિચારી રહી છે. એટલું જ નહીં કેટલીક જાહેર ક્ષેત્રની બેન્કોનું ખાનગીકરણ પણ કરવાનું વિચારી રહી છે. જેમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા, યુકો બેન્ક, પંજાબ એન્ડ સિંધ બેન્ક અને ઇન્ડિયન ઓવરસીઝ બેન્કનો સમાવેશ થાય છે. સેબીની લઘુત્તમ જાહેર શેરહોલ્ડીંગ આવશ્યકતાઓ અનુસાર ,સરકાર આ બેન્કોમાં પોતાનો હિસ્સો ઘટાડીને 75 ટકા કરવાનું વિચારી રહી છે. સુત્રોના જણાવ્યા અનુસાર સરકાર જાહેર ક્ષેત્રની બેન્કોના જોડાણના આગામી રાઉન્ડ માટે વ્યૂહરચના પર કામ કરી રહી છે. જેમાં બે બેન્કો સેન્ટ્રલ બેન્ક અને ઇન્ડિયન ઓવરસીઝ બેન્કનું ખાનગીકરણ કરવાનું આયોજન કરી રહી છે. 2021-22 વર્ષના અંદાજપત્રમાં સરકારની જાહેરાત અનુસાર આઇડીબીઆઇ બેન્ક ઉપરાંત અન્ય બે જાહેર ક્ષેત્રની બેન્ક તથા એક જનરલ ઇન્સ્યોરેન્સ કંપનીનું ખાનગીકરણ કરવામાં આવશે. જેમાં સરકાર આગળ વધી રહી છે. તાજેતરમાં ભારતીય મુળના અબજોપતિ પ્રેમ વત્સાની માલિકીની ફેરફેક્સ ફાઇનાન્સીયલ હોલ્ડીંગ્સ રૂ. 52878 કરોડમાં આઇડીબીઆઇ બેન્કમાં 60.72 ટકા હિસ્સો હસ્તગત કરશે. કેન્દ્ર સરકાર દેશની ત્રણથી ચાર મોટી જાહેર ક્ષેત્રની બેન્કોને જાળવી રાખશે, આ સિવાયની તમામ બેન્કોનું વિલીનીકરણ અથવા ખાનગીકરણ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં ઇન્ડિયન ઓવરસીઝ બેન્કમાં સરકારની હિસ્સેદારી 92.44 ટકા છે, જ્યારે સેન્ટ્રલ બેન્કમાં 81.19 ટકા અને પંજાબ એન્ડ સિંધ બેન્કમાં 93.85 ટકા હિસ્સો ધરાવે છે.

આઇડીબીઆઇ બેન્ક બાદ ચાર બેન્કોમાં હિસ્સેદારી વેચવા માટે તૈયારી શરૂ કરાઇ (બિઝનેસ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.

← સમાચાર પર પાછા